સતીની આરાધનાનું વર્ણન કરતાં બ્રહ્માજી નારદજીને કહે છે કે, આસો માસની નંદા તિથિઓમાં તેમણે ભક્તિપૂર્વક ભગવાન શિવનું પૂજન કર્યું. અહીં નંદા તિથિઓ તરીકે પ્રતિપદા, છઠ અને અગિયારસ જણાવવામાં આવી છે. સતીએ ગોળ, ભાત અને મીઠું ચઢાવીને શિવજીનું પૂજન કર્યું અને તેમને નમસ્કાર કર્યા. એ જ નિયમનું પાલન કરતાં તેમણે આખો આસો માસ વિતાવ્યો. કારતક માસની ચૌદશના દિવસે સતીએ ગોઠવી રાખેલા માલપૂઆ અને ખીરથી પરમેશ્વર શિવની આરાધના કરી. આ આરાધના સાથે તેઓ નિરંતર તેમનું ચિંતન કરવા લાગ્યાં. માગસર માસની વદ આઠમે સતીએ તલ, જવ અને ચોખાથી હરનું પૂજન કર્યું. તેમણે જ્યોતિર્મય દીપ પ્રગટાવીને અથવા આરતી કરીને એ દિવસ પસાર કર્યો. પોષ માસની સુદ સાતમે સતીએ આખી રાત જાગરણ કર્યું. પછી પ્રાતઃકાળે ખીચડીનું નૈવેદ્ય ધરીને ભગવાન શિવની પૂજા કરી. માઘ માસની પૂનમે સતીએ રાત્રે જાગરણ કર્યું. સવારે તેમણે નદીમાં સ્નાન કર્યું. પછી ભીનાં વસ્ત્રો પહેરીને જ નદીના તટ પર બેઠાં અને ભગવાન શિવની પૂજા કરી. ફાગણ માસની વદ ચૌદશે સતીએ રાત્રે જાગરણ કર્યું. એ રાત્રિના ચારે પ્રહરમાં તેમણે શિવજીની વિશેષ પૂજા કરી. તે સમયે તેઓ નટો દ્વારા નાટક પણ કરાવતાં હતાં. ચૈત્ર માસની સુદ ચૌદશે સતી દિવસ અને રાત ભગવાન શિવનું સ્મરણ કરતાં સમય પસાર કરતાં હતાં. તેમણે ઢાકનાં ફૂલો અને દવનાથી ભગવાન શિવની પૂજા કરી.
0:00 / 0:00